મનુષ્યને ઘડવામાં મહિનાઓ લાગી જાય છે, તૂટી જવામાં ક્ષણ પણ નથી લાગતી.
એક ઘરમાં બે દિકરા હોય અને બેમાંથી એક બુધ્ધિહીન અથવા તદન સામાન્ય હશે તો તે આજ્ઞાંકિત હશે, કારણ કે આજ્ઞા તોડવામાં બુધ્ધિની જરૂર પડે છે. ‘હા’ કહેવામાં બુધ્ધિની શી જરૂર પડે છે? ‘ના’ કહેવામાં બુધ્ધિની જરૂર પડે છે, કારણ કે ના કહેવા માટે કારણો શોધવા પડે છે, તર્ક-દલીલ કરવા પડે છે. પિતાને થશે કે આજ્ઞાંકિત પુત્ર મારૂ સદભાગ્ય છે, પણ પિતાને એ ખબર નથી કે એ દિકરો તદન નમાલો છે, મૃતપાય છે. એનામાં ઉત્સાહ કે ઉમંગ નથી.
સમાજ પાસે બે રસ્તા છે. જો જિંદગી ભૂલ ભરેલી હોય તો જિંદગી બદલવી જોઇએ અથવા તો એ ભૂલ ભરેલી જિંદગી સાથે સમાધાન કરી લે. ભારતે બીજો રસ્તો પકડ્યો છે. જેવી સ્થિતી હોય તેનાથી સંતોષ માનવાનો, એને બદલવાનો પ્રયત્ન નહિ કરવાનો.
ભવિષ્ય માટે આપણે આશાવાદી થઇ શકતા નથી, કારણ કે આપણે નિષ્ક્રિય પ્રજા છીએ. ભવિષ્ય માટે એ જ પ્રજા આશાવાદી બની શકે કે જે સર્જન કરવામાં, ઉત્પાદનમાં, કાર્યમાં, શ્રમ કરવામાં આસ્થાવાન હોય, તત્પર હોય.
યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.